Tuesday, August 28, 2018

હોકી વિઝાર્ડ - ધ્યાનચંદ

આજે ૨૯ ઑગસ્ટ, જેમને 'આજે ૨૯ ઑગસ્ટ, જેમને 'હોકી વિઝાર્ડ' નું ઉપનામ મળ્યું હતું એ જબરદસ્ત હોકી પ્લેયર ધ્યાનચંદનો જન્મદિવસ. બાળપણમાં ઝાડની ડાળી વડે હોકી સ્ટિક અને જૂના કપડાંમાંથી બોલ બનાવીને તેઓ મિત્રો સાથે હોકી રમતા. કિશોરાવસ્થામાં પિતા સાથે એક હોકી મેચ જોવા ગયા. ત્યાં એક ટીમ બે ગોલથી હારી રહી હતી. એમણે પિતા સમક્ષ હારી રહેલી ટીમ તરફથી રમવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતા આર્મીમાં હતા અને મેચ પણ આર્મીની જ હતી તેથી એમની ઈચ્છા પૂરી થઈ. ધ્યાનચંદે એ મેચમાં ચાર ગોલ કર્યા. એમના જુસ્સા અને આત્મવિશ્વાસને જોઈને આર્મીના અધિકારીએ એમને આર્મીમાં જોડાઈ જવા માટે પ્રોત્સાહન આપ્યું. અને બે વર્ષ બાદ ૧૬ વર્ષની ઉમરે તેઓ પંજાબ રેજિમેન્ટમાં સૈનિક તરીકે જોડાઈ પણ ગયા. આશ્ચર્યની વાત એ છે કે શરૂઆતમાં ધ્યાનચંદનું ધ્યાન હોકીને બદલે રેસલિંગ પર હતું.
આર્મીમાં આવ્યા બાદ હોકી પ્રત્યેનો એમનો લગાવ વધવા લાગ્યો. બ્રાહ્મણ રેજિમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારીએ એમને હોકીનું પ્રાથમિક જ્ઞાન આપ્યું. ધ્યાનચંદનું ખરું નામ ધ્યાનસિંહ હતું. એમના કોચ પંકજ ગુપ્તાને કારણે તેઓ ધ્યાનસિંહમાંથી ધ્યાનચંદ બની ગયા. વાસ્તવમાં ધ્યાનચંદની રમત જોઈને એમના કોચ પંકજે કહ્યું હતું કે આ છોકરો એક દિવસ સમગ્ર વિશ્વમાં ચંદ્રની માફક ચમકશે. એમના આ વિધાન બાદ ધ્યાનસિંહ ધ્યાનચંદ તરીકે ઓળખાવા લાગ્યા. ઑલિમ્પિક્સમાં ભારત દેશને સતત ત્રણ વખત સુવર્ણ ચંદ્રક મળ્યો એનો યશ ધ્યાનચંદના ખાતામાં જાય છે. અનેક અવૉર્ડ મેળવી ચૂકેલા આ રમતવીરે આંતરરાષ્ટ્રીય રમતોમાં ૪૦૦ કરતા પણ વધુ ગોલ કર્યા હતા.
૧૫ ઑગસ્ટ ૧૯૩૬ ના રોજ બર્લિન ખાતે ભારત-જર્મની વચ્ચે હોકીની ફાઇનલ મેચ રમાઈ. કેટલાક અવરોધો હોવા છતાં ધ્યાનચંદના નેતૃત્વ હેઠળ ફાઇનલ મેચમાં ભારતની જીત થઈ. જર્મન સરમુખત્યાર હિટલર ધ્યાનચંદની રમતથી એટલા પ્રભાવિત થયા કે એમણે ધ્યાનચંદ સમક્ષ જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ દેશપ્રેમી ધ્યાનચંદે નમ્રતાપૂર્વક એમના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો.
૧૯૫૬ માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકીના મજબૂત ખેલાડી ધ્યાનચંદ પર પાછળથી તો પુસ્તકો લખાઈ ગયા પરંતુ એમના જીવનનો ઉત્તરાર્ધ સારો કહી શકાય એવો ન હતો. તેઓ લીવરના કેન્સરનો ભોગ બન્યા હતા. એમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના જનરલ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩ ડિસેમ્બર ૧૯૭૯ના રોજ તેમનું દેહાવસાન થયું. એમના નામ પરથી દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું. એમનો જન્મદિવસ આજે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર હોકીમાં એમના યોગદાન માટે આ શબ્દો કેવા રહેશે?! એવી રમત ’ધ્યાન’ રમી ગયો… ધ્યાનમાં સૌના ’ધ્યાન’ રહી ગયો… જય હો! કુલદીપ લહેરુ

No comments: