Tuesday, August 28, 2018

હોકી વિઝાર્ડ - ધ્યાનચંદ

આજે ૨૯ ઑગસ્ટ, જેમને 'આજે ૨૯ ઑગસ્ટ, જેમને 'હોકી વિઝાર્ડ' નું ઉપનામ મળ્યું હતું એ જબરદસ્ત હોકી પ્લેયર ધ્યાનચંદનો જન્મદિવસ. બાળપણમાં ઝાડની ડાળી વડે હોકી સ્ટિક અને જૂના કપડાંમાંથી બોલ બનાવીને તેઓ મિત્રો સાથે હોકી રમતા. કિશોરાવસ્થામાં પિતા સાથે એક હોકી મેચ જોવા ગયા. ત્યાં એક ટીમ બે ગોલથી હારી રહી હતી. એમણે પિતા સમક્ષ હારી રહેલી ટીમ તરફથી રમવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતા આર્મીમાં હતા અને મેચ પણ આર્મીની જ હતી તેથી એમની ઈચ્છા પૂરી થઈ. ધ્યાનચંદે એ મેચમાં ચાર ગોલ કર્યા. એમના જુસ્સા અને આત્મવિશ્વાસને જોઈને આર્મીના અધિકારીએ એમને આર્મીમાં જોડાઈ જવા માટે પ્રોત્સાહન આપ્યું. અને બે વર્ષ બાદ ૧૬ વર્ષની ઉમરે તેઓ પંજાબ રેજિમેન્ટમાં સૈનિક તરીકે જોડાઈ પણ ગયા. આશ્ચર્યની વાત એ છે કે શરૂઆતમાં ધ્યાનચંદનું ધ્યાન હોકીને બદલે રેસલિંગ પર હતું.
આર્મીમાં આવ્યા બાદ હોકી પ્રત્યેનો એમનો લગાવ વધવા લાગ્યો. બ્રાહ્મણ રેજિમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારીએ એમને હોકીનું પ્રાથમિક જ્ઞાન આપ્યું. ધ્યાનચંદનું ખરું નામ ધ્યાનસિંહ હતું. એમના કોચ પંકજ ગુપ્તાને કારણે તેઓ ધ્યાનસિંહમાંથી ધ્યાનચંદ બની ગયા. વાસ્તવમાં ધ્યાનચંદની રમત જોઈને એમના કોચ પંકજે કહ્યું હતું કે આ છોકરો એક દિવસ સમગ્ર વિશ્વમાં ચંદ્રની માફક ચમકશે. એમના આ વિધાન બાદ ધ્યાનસિંહ ધ્યાનચંદ તરીકે ઓળખાવા લાગ્યા. ઑલિમ્પિક્સમાં ભારત દેશને સતત ત્રણ વખત સુવર્ણ ચંદ્રક મળ્યો એનો યશ ધ્યાનચંદના ખાતામાં જાય છે. અનેક અવૉર્ડ મેળવી ચૂકેલા આ રમતવીરે આંતરરાષ્ટ્રીય રમતોમાં ૪૦૦ કરતા પણ વધુ ગોલ કર્યા હતા.
૧૫ ઑગસ્ટ ૧૯૩૬ ના રોજ બર્લિન ખાતે ભારત-જર્મની વચ્ચે હોકીની ફાઇનલ મેચ રમાઈ. કેટલાક અવરોધો હોવા છતાં ધ્યાનચંદના નેતૃત્વ હેઠળ ફાઇનલ મેચમાં ભારતની જીત થઈ. જર્મન સરમુખત્યાર હિટલર ધ્યાનચંદની રમતથી એટલા પ્રભાવિત થયા કે એમણે ધ્યાનચંદ સમક્ષ જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ દેશપ્રેમી ધ્યાનચંદે નમ્રતાપૂર્વક એમના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો.
૧૯૫૬ માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકીના મજબૂત ખેલાડી ધ્યાનચંદ પર પાછળથી તો પુસ્તકો લખાઈ ગયા પરંતુ એમના જીવનનો ઉત્તરાર્ધ સારો કહી શકાય એવો ન હતો. તેઓ લીવરના કેન્સરનો ભોગ બન્યા હતા. એમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના જનરલ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩ ડિસેમ્બર ૧૯૭૯ના રોજ તેમનું દેહાવસાન થયું. એમના નામ પરથી દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું. એમનો જન્મદિવસ આજે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ પર હોકીમાં એમના યોગદાન માટે આ શબ્દો કેવા રહેશે?! એવી રમત ’ધ્યાન’ રમી ગયો… ધ્યાનમાં સૌના ’ધ્યાન’ રહી ગયો… જય હો! કુલદીપ લહેરુ

Saturday, June 16, 2018

પિતા, બસ એક શબ્દ હી કાફી હૈ...!!!





સનાતન ધર્મની પરંપરામાં દરેક કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણપતિને યાદ કરીને થાય છે. ભગવાન શંકર અને માતા પાર્વતિના પુત્રો કાર્તિકેય સ્વામિ અને ભગવાન ગણપતિ બન્ને ભાઈઓમાં સૃષ્ટિની પ્રદક્ષિણા કરીને સૌપ્રથમ કોણ પરત ફરે એવી સ્પર્ધા યોજાઈ. કાર્તિકેય સ્વામિ સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, જ્યારે ભગવાન ગણપતિએ માતા-પિતાની પ્રદક્ષિણાને સૃષ્ટિની પ્રદક્ષિણા સમાન ગણાવી પોતાની શ્રેષ્ઠતા પૂરવાર કરી અને પ્રથમ પૂજનીયનું સ્થાન મેળવ્યું. આ સાથે એમણે માતા-પિતાને સર્વોચ્ચ અને સર્વપ્રથમ સ્થાન આપવું એવું જ્ઞાન આપ્યું. પ્રસુતિની અસહ્ય પીડા સહન કરીને બાળકને જન્મ આપતી માતા દેખીતી રીતે જ ઈશ્વરતુલ્ય બની જાય છે. માતાનું એ ૠણ ક્યારેય ચૂકવી શકાય જ નહીં એ વાત એક હજારને એક ટકા સાચી પણ એ પણ સ્વીકારવું રહ્યું કે કોઈપણ જાતની અપેક્ષા વિના સંતાન માટે બધું જ કરી છૂટવા હંમેશા તત્પર પિતાનું અવમૂલ્યન કરીએ છીએ. માતા-પિતાની કલ્પના કરવાનું કહેવામાં આવે ત્યાર મોટાભાગના લોકોના મનમાં માતા એટલે મનમાં વાત્સલ્યભાવવાળી સકારાત્મક વ્યક્તિ અને પિતા એટલે તમારી દરેક રજૂઆતમાં પ્રશ્નો પૂછતા અને હંમેશા શિસ્તમાં રહેવાનો આગ્રહ રાખતા નકારાત્મક ચહેરાની છબી ઉપસી આવે. વર્તનનો આ તફાવત સ્વાભાવિક રીતે જ સંતાન અને પિતા વચ્ચે એક અંતર ઊભું કરી દે છે. નાની વયનું બાળક એ આભાસી નકારાત્મકતા પાછળ છૂપાયેલા પિતાના પ્રેમ, સંતાન પ્રત્યેની ચિંતા અને જવાબદારીને સમજી શકતું નથી. માતા દ્વારા પૂરી થતી તમામ ઈચ્છાઓ પાછળ પિતાનો પણ હાથ રહેલો હોય છે એ વાત બાળક વિચારી શકતું નથી. કહે છેને કે મા ની મમતાનો તાગ મેળવવો હોય તો માતા બનવું પડે એ જ રીતે પિતાના પ્રેમ અને ત્યાગની અનુભૂતિ તો પિતા બન્યા પછી જ થાય. જોકે, સમય બદલાતા આજે કરડા ચહેરાવાળા પિતાનું સ્થાન બાળકો સાથે હસતા-રમતા પિતાએ લઈ લીધું છે. સમય સાથે પરિવર્તન આવે એ સ્વાભાવિક છે પણ સંતાન પ્રત્યેના પિતાના કર્તવ્યમાં કોઈ પરિવર્તન નહીં આવે અને એ જ આપણી સંસ્કૃતિ છે. પિતાનો પ્રેમ માતાના વ્હાલ કરતા જરાપણ ઉતરતો નથી હોતો. લોકો કહે છે કે માતા કે પિતાનો કંઈ એક દિવસ થોડો હોય? વાત સાચી જ છે અને બધા સમજે પણ છે પરંતુ ઈન્ટરનેટિયા અને મોબાઇલિયા યુગમાં મા-બાપ પાસે થોડીવાર બેસીને એમને હળવા કરવાનું વિચારતા હોય એવા લોકો કેટલા છે? આવા સુનિશ્ચિત કરેલા દિવસો તમને અને મને ’ઈન્ટરનેટની કાલ્પનિક દુનિયામાંથી નીકળીને, આપણને વાસ્તવિક દુનિયામાં લાવનાર મા-બાપ માટે પણ સમય કાઢવો જોઈએ’ એ વાતની પ્રેરણા આપે છે.

ક્યાંક વાંચેલું એક સુંદર વાક્ય સર્વે પિતાઓને સાદર અર્પણ… “પપ્પા, તમે ઈશ્વર નથી કેમકે ઈશ્વર તો સુખ અને દુઃખ બન્ને આપે છે. પણ તમે તો ફકત સુખ જ આપો છો. Happy Father's day!”

જય હો!
કુલદીપ લહેરુ

https://www.facebook.com/kuldeeplaheru
https://www.instagram.com/kuldeep_laheru/

Thursday, April 5, 2018

માય વાઇફ ઇઝ માય લાઇફ



લગ્ન પછી શ્રવણનું જીવન બદલાઈ ગયું હતું. માતા-પિતા, સગા-સંબંધીઓ, મિત્રો, કરિઅર બધું જ એની પ્રાયોરિટીમાં ખુબ જ પાછળ રહી ગયું હતું. એની પત્ની શ્રદ્ધા પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત રહેનાર સ્ત્રી હતી. મિત્રો સાથેનો સંપર્ક તો એણે એ દિવસથી જ ઓછો કરી નાખ્યો હતો, જ્યારે નવવધૂએ એને કહ્યું હતું, “તમારા મિત્રો સ્વાર્થી છે. તમારી પાછળથી તમારી વાતો કરતા હોય એવું લાગે છે. તમે હંમેશા અવેલેબલ રહેતા હશો, એટલે એ બધા તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય એવું લાગે છે.” વિચારો કરતા-કરતા એની આંખો મીચાઈ ગઈ અને એક પછી એક ઘટનાઓ એના અંતર્મનમાં જાણે પુનર્જીવિત થવા લાગી.

ફેસબૂક પર પોતાની પત્નીની તસવીર સાથે એણે સ્ટેટસ બદલ્યું, ’My wife is my life’. પત્ની પિયર ગઈ હતી. સાસુમાની તબિયત સારી ન હતી. એમના ખબર-અંતર પૂછવા શ્રવણે એની પત્ની શ્રદ્ધાને ફોન કર્યો. એ જ સમયે બીજા ઓરડામાંથી પપ્પાનો અવાજ આવ્યો, “બેટા, જલ્દી આવ તો અહીં.” પાંચ-છ રીંગ વાગ્યા બાદ શ્રદ્ધાએ ફોન કાપી નાખ્યો. એટલે એ પપ્પા પાસે ગયો.
“બેટા, આ જો તારી મા ને. હાથ છોલાઈ ગયો છે એનો. ચક્કર આવ્યા અને પડી ગઈ. બ્લડપ્રેશરની દવા ખાલી થઈ ગઈ છે. તું લેતો આવજેને.”

“શું પપ્પા તમે પણ ડરાવી દો છો. મને એમ કે શું થઈ ગયું હશે. શ્રદ્ધાની મમ્મીની તબિયત પણ ખરાબ છે. સાંજે ઑફિસેથી સીધો એમને જોવા જવાનો છું. તમે જ દવા લેતા આવજો. લો આ રૂપિયા રાખો.”
“બેટા, રૂપિયા નથી જોતા. પહેલા તો તું કેવું ધ્યાન રાખતો તારી મા નું? કેમ બદલાઈ ગયો છું? હું જ લઈ આવત. પણ મને’ય ઓછું દેખાય છે. એક ને બદલે બીજી દવા આવી જાય તો? નજીકમાં ક્યાંય મેડિકલ સ્ટોર પણ નથી. રસ્તામાં વાહનો પણ કેટલા છે. ક્યાંક ભટકાઈ ગયો તો એક કરતા બીજું થશે.” આવું કહેવાનો વિચાર આવ્યો પણ મો ખુલી ન શક્યું. અને એ સાંભળવા માટે શ્રવણ પણ રોકાયો હોય તો ને. એને ઑફિસ જવા માટે મોડું થતું હતું. એની પાસે સમયનો અભાવ હતો.

ઑફિસે જતી વખતે રસ્તામાં ફરી શ્રદ્ધાને ફોન કર્યો. નો-રિપ્લાય થતા એણે મેસેજ છોડવા વ્હોટ્સએપ ખોલ્યું. શ્રદ્ધા ઑનલાઇન હતી. એને વિચાર આવ્યો, “ફોન ન ઉપાડ્યો પણ ઑનલાઇન છે. આવું કેમ કર્યું હશે? કદાચ સાસુમાની તબિયતને લીધે એને વાત કરવાનું મન નહીં થતું હોય.” એણે મેસેજ મોકલ્યો. “મમ્મીને કેમ છે? તબિયત સાચવજે. કોઈ દવા લેવાની હોય તો કહે. ઑફિસના રસ્તામાં છું. જતા પહેલા આપતો જઈશ.” મેસેજ વાંચ્યા વિના જ શ્રદ્ધા ઑફલાઇન થઈ ગઈ. શ્રવણે બીજા ત્રણ મેસેજ મોકલ્યા પણ શ્રદ્ધાએ એકપણ મેસેજ વાંચવાની તસ્દી ન લીધી.

બપોરે જમતી વખતે પપ્પાનો ફોન આવ્યો.
“હેલ્લો… શ્રવણ?”
“હું જ હોવને પપ્પા મારા ફોન પર… જલ્દી વાત કરો હું જમી રહ્યો છું મારા કલીગ્સ સાથે.”
“હા, બેટા જમી લે. બાજુમાંથી વિવેક આવ્યો છે. મને થયું કે તારી મા ની દવા એની પાસે મંગાવી લઉં. તારી પાસે ડૉક્ટરનું પ્રીસ્ક્રિપ્શન હોય તો મોકલને એના વ્હોટ્સએપ પર.”
“હા મોકલી દઈશ થોડીવારમાં.”

જમીને એ એક મીટિંગમાં વ્યસ્ત થઈ ગયો. બરાબર એના પ્રેઝન્ટેશન વખતે જ શ્રદ્ધાનો ફોન આવ્યો. પ્રેઝન્ટેશન અધૂરું છોડીને એ ફોન અટેન્ડ કરવા મીટિંગરૂમમાંથી બહાર જતો રહ્યો.
“હા શ્રદ્ધા બોલ. કેવું છે મમ્મીને? તારી તબિયત તો સારી છેને? મારા એકપણ મેસેજનો રિપ્લાય ન આપ્યો એટલે મને…”
“હા તને તો શંકાઓ જ જવાની. તારી પાસે બીજું કામ શું છે? બસ ફરિયાદો જ હોય છે તારી પાસે. એવું નહીં કે સવારથી વાત થઈ નથી તો અત્યારે શાંતિથી વાત કરીએ. હું’ય તને યાદ કરતી જ હોઉં. પણ મમ્મીની તબિયત, અને એને લીધે ઘરેથી જ કામ કરવું પડે છે, આ બધા વચ્ચે મને તને ફોન કરવાનું મન થાય પણ ટાઇમ જ જતો રહે છે.”
“શ્રદ્ધા, મારી વાત પૂરી કરું એ પહેલા જ તું રાડો પાડવા લાગે છે. તારો જવાબ ન મળ્યો એટલે મને ચિંતા થતી હતી. આજે સવારથી જ નહીં, ગઈકાલે પણ તેં ફોન નહોતો ઉપાડ્યો. હું સમજુ છું કે તું વ્યસ્ત છે પણ એટલું વ્યસ્ત પણ ન થવું જોઈએ કે પોતાની વ્યક્તિ માટે સમય જ ન રહે.”
“અરે યાર, મારો ફોન ગઈકાલે આખો દિવસ આસ્થા પાસે હતો. એણે મને તારો ફોન આવ્યાનું કેમ નહીં કહ્યું હોય?”
“તારા ફોનમાં કંઈ દેખાડવું હોય તો તારા હાથમાં જ રાખીને મને એ દેખાડે છે. પણ આસ્થા પાસે આખો દિવસ પડ્યો રહ્યો! વ્હોટ્સએપ ગ્રુપમાં પણ એ જ મેસેજ કરી રહી હતીને? તું ખોટું બોલે છે ત્યારે તને એ પણ યાદ નથી રહેતું કે હું તારો પતિ છું અને આપણે ત્રણ ગ્રુપમાં સાથે છીએ. તારે મારી સામે ખોટું બોલવાની જરૂર નથી બેટા. તું કહીશ એના પર મને વિશ્વાસ હશે જ. ટ્રાન્સપરન્ટ રહીશું તો આપણે ઉત્તમ રીતે જીવન જીવી શકીશું.”
“આપણે પછી વાત કરીએ. તારો મૂડ સારો નથી લાગતો.”
ફોન મૂકાઈ ગયો. શું થઈ ગયું એ વિષે એ વિચારમાં પડી ગયો ત્યાં જ લિફ્ટ ખુલવાના અવાજે એને પોતે ઑફિસમાં હોવાની અને પોતાનું પ્રેઝન્ટેશન અધૂરું હોવાની પ્રતીતિ કરાવી.

સાંજે ઑફિસેથી છૂટીને એ પોતાના સાસરે ગયો. શ્રદ્ધાના પિતાએ ઘર ખોલ્યું. શ્રદ્ધા બહાર ગઈ હતી. થોડીવાર સાસુ-સસરા સાથે બેસ્યા બાદ એણે શ્રદ્ધાને ફોન કર્યો. ફરી નો-રીપ્લાઇ થયો. અડધી-એક મીનિટ વીતિ હશે ત્યાં એના સસરાનો ફોન રણક્યો. શ્રદ્ધાનો ફોન હતો. એના સસરાએ ફોન ઉપાડ્યા વિના જ શ્રવણને આપી દીધો.
“હેલ્લો પપ્પા, શ્રવણનો ફોન આવે તો કહી દેજો કે હું મારો ફોન ઘરે જ ભૂલી ગઈ છું.”
કંઈ જ બોલ્યા વિના શ્રવણે ફોન એના સસરાના હાથમાં આપી બન્નેના ચરણસ્પર્શ કર્યા અને ત્યાંથી જતો રહ્યો.

ઘરે પહોંચ્યો પાડોશીએ કહ્યું કે મમ્મીની તબિયત વધુ બગડી હતી એટલે શ્રવણના ભાઈબંધો મનિષ અને સચિન એમને દવાખાને લઈ ગયા હતા. શ્રદ્ધાના શબ્દોએ આ જ મિત્રોથી એને અળગો કરી નાખ્યો હતો. એને યાદ આવ્યું કે એણે તો દવાનું પ્રીસ્ક્રિપ્શન પણ નહોતું મોકલ્યું. એને સવારનું ફેસબૂક સ્ટેટસ પણ યાદ આવી ગયું. જે વાઇફને લાઇફ સમજતો, એણે એને અવગણ્યો અને પોતાને લાઇફ આપનાર મા-બાપને પોતે અવગણ્યા. એને રડવું આવી ગયું. ત્યાં જ એને મમ્મીનો અવાજ સંભળાયો.

“હા બેટા, કેમ રડી રહ્યો છું? શું થયું?” વિચાર કરતા-કરતા સુઈ ગયેલા શ્રવણની આંખો ખુલી ગઈ હતી. મમ્મીનો હાથ એના માથા પર ફરી રહ્યો હતો. એ મમ્મીને વળગીને ચોધાર આંસુએ રડ્યો. મમ્મી એને છાનો રાખવા એના માટે પાણી લેવા રસોડામાં ગઈ. આંસુ લૂછવા એણે બાજુના ટેબલ પરથી રૂમાલ લીધો. ટેબલ પર એની અને શ્રદ્ધાની તસવીર હતી. લગ્નપ્રસંગે વિદાયવેળાની એ તસવીરમાં એ શ્રદ્ધાના અશ્રુઓ લૂછી રહ્યો હતો.

(મારા એક મિત્રના જીવનની સત્યઘટના પર આધારિત વાર્તા.)

-કુલદીપ લહેરુ

Tuesday, January 23, 2018

વન ડે માત્રમ



સવારના સાતનો સમય
"અરે ભાઈ આજે ૨૬ મી જાન્યુઆરી છે, હું નહીં આવું. આવા દિવસે મને આવું બધું કહેવું. દારૂના પ્રોગ્રામ વારી. ફોન મૂક. સાલાવ સમજતા નથી. હવારના હાત વાઇગામાં ફોન કરે અને શરમ વગરનાવ પૂછે 'દાલુ પીવો થે?' બુદ્ધિના બારદાન... ભાઈ, પ્રજાસત્તાક દિવસ છે, આજે તો રહેવા દ્યો. રજાના દિવસે ઉઠાડી દીધો વ્હેલો."
ફોન મૂકીને મનમાં થોડો બબડાટ કર્યા બાદ એણે ફેસબૂક ઉપર પોસ્ટ ચડાવી. “Happy Republic Day To All My Friends! Jay Hind! Vande Matram!”

સાડા દસ વાગ્યે
ભઈલા, પાંચ ઝંડા આપી દે હાલએકના કેટલા?”
પાંચ રૂપિયા સાઇબ
હોતા હઇશે? પંદરના પાંચ આપી દે હાલ. દેશભક્તિ જેવું છે કે નય કાંય તારામાં?”
લ્યો સાઇબ. લઇ જાવસાઇબ, તમે ધ્વજ વંદન કરી આઈવા?”
ના. ટીવીમાં સમાચારમાં જોઈ લઈશ. ધ્વજ વંદન વારીતું તારું કામ કરને. તે કયરું ધ્વજ વંદન?”
હા સાઇબ. હવારે નિસાળે ગ્યોતો. ન્યાથી સીધો આંય આય્વો ઝંડા વેચવા.”
હારુ હારુ…  લે વીસ રૂપિયા…  લાવ પાંચ રૂપિયા પાછાબે ઝંડા બાઇકમાં લગાવી દે…”
ઘરે જઈ, બાકી બચેલા ત્રણ ધ્વજ કારમાં લગાવીને બહાર જમવા નીકળ્યો. એક નાનકડા ચાર રસ્તા પર વચ્ચે કાર ઉભી રાખીને પાનના ગલ્લે ત્રિરંગા પાનનો ફોટો પાડી ફેસબૂક પર અપલોડ કર્યો. સવારની પોસ્ટમાં થયેલા લાઇક અને કોમેન્ટો જોતા-જોતા ગલ્લાવાળાને પાન બાંધી આપવાનું કહ્યું. ચીંકીએ કોમેન્ટ કરી હતી,”Happy Independence Day!” એ ગૂંચવાઈ ગયો કે ૨૬ જાન્યુઆરી એટલે ’રિપબ્લિક ડે’ કે ’ઇન્ડિપેન્ડન્સ ડે’!? અચાનક એના એક કાને ગાળ સાંભળી. વચ્ચે પાર્ક કરેલી કારને લીધે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
કાકા, તમે જલ્દી પાન બાંધી દ્યો. સાલાવ (ગાળ... ગાળ...) લોકોને દેશભક્તિ જેવું કાંઈ છે નહીં. ગોળીએ દઈ દેવા જોઈએ બધાયને લાઈનમાં ઉભા રાખીને. બે મિનિટ રાહ જોઈ શકે? આજે તો ત્રિરંગુ પાન ખાઈએને?”
પૈસા પછી આપજો. જાવ તમારી ગાડી જલ્દી સાઇડમાં લઈ લ્યો. સાવ રસ્તા વચ્ચે પાર્ક કઇરી છે.”
હા બાપા હા. જાંવ છું. તમે ગઇઢા થઈ ગ્યા છો.”

બપોરના બારના ટકોરે
જમીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા સામેની ગલીમાંથી રાષ્ટ્રધ્વજ સાથે થોડા છોકરાઓનું એક સરઘસ આવતું દેખાયું. તરફ ઝડપથી દોડી જઈ, સરઘસની આગળ ઉભો રહીને એણે સેલ્ફી લઈ લીધી. વોટ્સએપ પર અલગ-અલગ ગ્રુપમાં મૂકીને પ્રજાસતાક દિવસે દેશ માટે કંઈક કર્યા બદલ એણે નિરાંતનો શ્વાસ લીધો.

સાંજે સાડા વાગ્યે
ચાની કેન્ટિન પર ગરમાગરમ મસાલાવાળી ચાનો સબડકો બોલાવતા એણે એના ભાઈબંધને ફોન કર્યો. “ક્યાં છો?”
ઘરે છું. પિંટુડાની રાહ જોવ છું. તું તો નથી આવવાનોને?”
યાઆઆઆર… એટલે મેં ફોન કઇરો છે.”
રહેવા દે નાટક તારામન હોય તો આવી જા છાનોમુનો.”
હા. તો હું... સિગારેટ લેતો આવું છું અને ચિકનનો ઓર્ડર આપી દઉં છું. અડધી કલાકમાં પહોંચી જાઈશ.”
ચાની છેલ્લી ચૂસ્કી ભરી પાન બંધાવવા પાનના ગલ્લે ગયો. પાનના ગલ્લે રેડિયો પર 'વંદે માતરમગીત વાગી રહ્યું હતું. પાન ચાવતા-ચાવતા પણ ગણગણ્યો પણ મો માં પાનનો રસ વધી જવાથી માત્રવન ડે…બોલી શક્યો અને ’માતરમમનમાં રહી ગયું.
’વંદે માતરમ’નું ’વન ડે માત્રમ’ થઈ ગયું… દેશભક્તિના પ્રદર્શનનો દિવસ અસ્ત થયો…

- કુલદીપ લહેરુ