Sunday, May 21, 2017

ટ્રિપલ તલાક મુદ્દે કાગારોળિયા ચૂપ

છેલ્લા થોડા સમયથી ચર્ચાઈ રહેલા એક મુદ્દા બાબતે મને એક વાત સમજાઈ નથી રહી. દરેક અખબારો, ન્યૂઝ ચેનલો, સામયિકોમાં ટ્રિપલ તલાક વિવાદ વિષે એક કોલમના નાના સમાચારોથી માંડીને, પ્રથમ પાનાની હેડલાઇનો, સ્પેશિયલ સ્ટોરીઓ, કવર સ્ટોરીઓ અને ડિબેટો થઈ ગઈ અને હજુ ચાલુ જ છે. પણ કેટલીક બોલકી સેલિબ્રિટીઓ આ સમયે જ અદ્રશ્ય થઈ ગઈ છે. બોલીવૂડની ખાન ત્રિપુટી આ સમયે લાપતા છે. મહિલાઓની ચિંતા કરતા શબાના આઝમી અને એના પતિ જાવેદ અખ્તર પણ ક્યાંક ખોવાઈ ગયા છે. ટ્રિપલ તલાક વિષે એમને કંઈ નથી બોલવું? કપિલ સિબ્બલને કેમ મહિલાઓ સાથે ક્યાંક અન્યાય થઈ રહ્યો હોય એવું નથી લાગી રહ્યું?

આમિરભાઈના ધર્મપત્ની કિરણબેનને ભારતમાં વધેલી અસહિષ્ણુતા અસહ્ય બનવાને કારણે દેશ છોડીને પરદેશમાં સ્થાયી થવું જોઇએ તેમ લાગ્યું હતું. તેઓ આ મુદ્દે કેમ શાંત છે? તિસ્તા સેતલવાડ કયા વાડામાં અટવાઈ ગયા છે? અરુંધતિ રોયને મુસ્લિમ મહિલાઓના વાસ્તવિક રુદન પર બનાવટી રુદન કરવું નથી? બ્રિન્દા કરાત તમે મુસ્લિમ મહિલાઓની સાથે છો તો શા તમે ટ્રિપલ તલાક મુદ્દે ડરતા-ડરતા નિવેદન આપો છો? શા માટે મેદાનમાં ઉતરીને જંગ લડી રહ્યા? અને કોઈ રાજકીય પક્ષ દ્વારા આ બાબતે કંઈ સારું કાર્ય થઈ રહ્યું હોય તો એનો વિરોધ શા માટે કરો છો? અને હા, શોભા ડે બહેન. આ જ સમય છે, જ્યારે તમે તમારું નામ સાર્થક કરી શકો છો. તમે તો કોન્ટ્રોવર્સી ક્વીન છો, કંઈક તો બોલો. અરે, પેલી અવૉર્ડ પરત કરતી ટોળકી ક્યાં છે? જેએનયુના બોલકા બુદ્ધિજીવીઓનો હાઇ સાઉન્ડ કેમ મ્યૂટ થઈ ગયો છે?

તકસાધુ લોકો હંમેશા અંગત સ્વાર્થ ખાતર નિવેદનો આપીને શાંતિથી જીવી રહેલા લોકો વચ્ચે કોમી વૈમનસ્ય પેદા કરતા આવ્યા છે. વાત આસ્થાની હોય કે સદીઓથી ચાલી રહેલી પરંપરા જ કેમ ન હોય પણ જો એને કારણે અન્યાય થઈ રહ્યો હોય તો એ માર્ગ બંધ કરવો જ રહ્યો. સંપ્રદાય કે અંગત ફાયદો જોઈને જ કંઈ કામ કરવું કે પોકળ નિવેદનો આપવા એ કેટલું વાજબી છે?