Showing posts with label ignore. Show all posts
Showing posts with label ignore. Show all posts

Thursday, April 5, 2018

માય વાઇફ ઇઝ માય લાઇફ



લગ્ન પછી શ્રવણનું જીવન બદલાઈ ગયું હતું. માતા-પિતા, સગા-સંબંધીઓ, મિત્રો, કરિઅર બધું જ એની પ્રાયોરિટીમાં ખુબ જ પાછળ રહી ગયું હતું. એની પત્ની શ્રદ્ધા પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત રહેનાર સ્ત્રી હતી. મિત્રો સાથેનો સંપર્ક તો એણે એ દિવસથી જ ઓછો કરી નાખ્યો હતો, જ્યારે નવવધૂએ એને કહ્યું હતું, “તમારા મિત્રો સ્વાર્થી છે. તમારી પાછળથી તમારી વાતો કરતા હોય એવું લાગે છે. તમે હંમેશા અવેલેબલ રહેતા હશો, એટલે એ બધા તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય એવું લાગે છે.” વિચારો કરતા-કરતા એની આંખો મીચાઈ ગઈ અને એક પછી એક ઘટનાઓ એના અંતર્મનમાં જાણે પુનર્જીવિત થવા લાગી.

ફેસબૂક પર પોતાની પત્નીની તસવીર સાથે એણે સ્ટેટસ બદલ્યું, ’My wife is my life’. પત્ની પિયર ગઈ હતી. સાસુમાની તબિયત સારી ન હતી. એમના ખબર-અંતર પૂછવા શ્રવણે એની પત્ની શ્રદ્ધાને ફોન કર્યો. એ જ સમયે બીજા ઓરડામાંથી પપ્પાનો અવાજ આવ્યો, “બેટા, જલ્દી આવ તો અહીં.” પાંચ-છ રીંગ વાગ્યા બાદ શ્રદ્ધાએ ફોન કાપી નાખ્યો. એટલે એ પપ્પા પાસે ગયો.
“બેટા, આ જો તારી મા ને. હાથ છોલાઈ ગયો છે એનો. ચક્કર આવ્યા અને પડી ગઈ. બ્લડપ્રેશરની દવા ખાલી થઈ ગઈ છે. તું લેતો આવજેને.”

“શું પપ્પા તમે પણ ડરાવી દો છો. મને એમ કે શું થઈ ગયું હશે. શ્રદ્ધાની મમ્મીની તબિયત પણ ખરાબ છે. સાંજે ઑફિસેથી સીધો એમને જોવા જવાનો છું. તમે જ દવા લેતા આવજો. લો આ રૂપિયા રાખો.”
“બેટા, રૂપિયા નથી જોતા. પહેલા તો તું કેવું ધ્યાન રાખતો તારી મા નું? કેમ બદલાઈ ગયો છું? હું જ લઈ આવત. પણ મને’ય ઓછું દેખાય છે. એક ને બદલે બીજી દવા આવી જાય તો? નજીકમાં ક્યાંય મેડિકલ સ્ટોર પણ નથી. રસ્તામાં વાહનો પણ કેટલા છે. ક્યાંક ભટકાઈ ગયો તો એક કરતા બીજું થશે.” આવું કહેવાનો વિચાર આવ્યો પણ મો ખુલી ન શક્યું. અને એ સાંભળવા માટે શ્રવણ પણ રોકાયો હોય તો ને. એને ઑફિસ જવા માટે મોડું થતું હતું. એની પાસે સમયનો અભાવ હતો.

ઑફિસે જતી વખતે રસ્તામાં ફરી શ્રદ્ધાને ફોન કર્યો. નો-રિપ્લાય થતા એણે મેસેજ છોડવા વ્હોટ્સએપ ખોલ્યું. શ્રદ્ધા ઑનલાઇન હતી. એને વિચાર આવ્યો, “ફોન ન ઉપાડ્યો પણ ઑનલાઇન છે. આવું કેમ કર્યું હશે? કદાચ સાસુમાની તબિયતને લીધે એને વાત કરવાનું મન નહીં થતું હોય.” એણે મેસેજ મોકલ્યો. “મમ્મીને કેમ છે? તબિયત સાચવજે. કોઈ દવા લેવાની હોય તો કહે. ઑફિસના રસ્તામાં છું. જતા પહેલા આપતો જઈશ.” મેસેજ વાંચ્યા વિના જ શ્રદ્ધા ઑફલાઇન થઈ ગઈ. શ્રવણે બીજા ત્રણ મેસેજ મોકલ્યા પણ શ્રદ્ધાએ એકપણ મેસેજ વાંચવાની તસ્દી ન લીધી.

બપોરે જમતી વખતે પપ્પાનો ફોન આવ્યો.
“હેલ્લો… શ્રવણ?”
“હું જ હોવને પપ્પા મારા ફોન પર… જલ્દી વાત કરો હું જમી રહ્યો છું મારા કલીગ્સ સાથે.”
“હા, બેટા જમી લે. બાજુમાંથી વિવેક આવ્યો છે. મને થયું કે તારી મા ની દવા એની પાસે મંગાવી લઉં. તારી પાસે ડૉક્ટરનું પ્રીસ્ક્રિપ્શન હોય તો મોકલને એના વ્હોટ્સએપ પર.”
“હા મોકલી દઈશ થોડીવારમાં.”

જમીને એ એક મીટિંગમાં વ્યસ્ત થઈ ગયો. બરાબર એના પ્રેઝન્ટેશન વખતે જ શ્રદ્ધાનો ફોન આવ્યો. પ્રેઝન્ટેશન અધૂરું છોડીને એ ફોન અટેન્ડ કરવા મીટિંગરૂમમાંથી બહાર જતો રહ્યો.
“હા શ્રદ્ધા બોલ. કેવું છે મમ્મીને? તારી તબિયત તો સારી છેને? મારા એકપણ મેસેજનો રિપ્લાય ન આપ્યો એટલે મને…”
“હા તને તો શંકાઓ જ જવાની. તારી પાસે બીજું કામ શું છે? બસ ફરિયાદો જ હોય છે તારી પાસે. એવું નહીં કે સવારથી વાત થઈ નથી તો અત્યારે શાંતિથી વાત કરીએ. હું’ય તને યાદ કરતી જ હોઉં. પણ મમ્મીની તબિયત, અને એને લીધે ઘરેથી જ કામ કરવું પડે છે, આ બધા વચ્ચે મને તને ફોન કરવાનું મન થાય પણ ટાઇમ જ જતો રહે છે.”
“શ્રદ્ધા, મારી વાત પૂરી કરું એ પહેલા જ તું રાડો પાડવા લાગે છે. તારો જવાબ ન મળ્યો એટલે મને ચિંતા થતી હતી. આજે સવારથી જ નહીં, ગઈકાલે પણ તેં ફોન નહોતો ઉપાડ્યો. હું સમજુ છું કે તું વ્યસ્ત છે પણ એટલું વ્યસ્ત પણ ન થવું જોઈએ કે પોતાની વ્યક્તિ માટે સમય જ ન રહે.”
“અરે યાર, મારો ફોન ગઈકાલે આખો દિવસ આસ્થા પાસે હતો. એણે મને તારો ફોન આવ્યાનું કેમ નહીં કહ્યું હોય?”
“તારા ફોનમાં કંઈ દેખાડવું હોય તો તારા હાથમાં જ રાખીને મને એ દેખાડે છે. પણ આસ્થા પાસે આખો દિવસ પડ્યો રહ્યો! વ્હોટ્સએપ ગ્રુપમાં પણ એ જ મેસેજ કરી રહી હતીને? તું ખોટું બોલે છે ત્યારે તને એ પણ યાદ નથી રહેતું કે હું તારો પતિ છું અને આપણે ત્રણ ગ્રુપમાં સાથે છીએ. તારે મારી સામે ખોટું બોલવાની જરૂર નથી બેટા. તું કહીશ એના પર મને વિશ્વાસ હશે જ. ટ્રાન્સપરન્ટ રહીશું તો આપણે ઉત્તમ રીતે જીવન જીવી શકીશું.”
“આપણે પછી વાત કરીએ. તારો મૂડ સારો નથી લાગતો.”
ફોન મૂકાઈ ગયો. શું થઈ ગયું એ વિષે એ વિચારમાં પડી ગયો ત્યાં જ લિફ્ટ ખુલવાના અવાજે એને પોતે ઑફિસમાં હોવાની અને પોતાનું પ્રેઝન્ટેશન અધૂરું હોવાની પ્રતીતિ કરાવી.

સાંજે ઑફિસેથી છૂટીને એ પોતાના સાસરે ગયો. શ્રદ્ધાના પિતાએ ઘર ખોલ્યું. શ્રદ્ધા બહાર ગઈ હતી. થોડીવાર સાસુ-સસરા સાથે બેસ્યા બાદ એણે શ્રદ્ધાને ફોન કર્યો. ફરી નો-રીપ્લાઇ થયો. અડધી-એક મીનિટ વીતિ હશે ત્યાં એના સસરાનો ફોન રણક્યો. શ્રદ્ધાનો ફોન હતો. એના સસરાએ ફોન ઉપાડ્યા વિના જ શ્રવણને આપી દીધો.
“હેલ્લો પપ્પા, શ્રવણનો ફોન આવે તો કહી દેજો કે હું મારો ફોન ઘરે જ ભૂલી ગઈ છું.”
કંઈ જ બોલ્યા વિના શ્રવણે ફોન એના સસરાના હાથમાં આપી બન્નેના ચરણસ્પર્શ કર્યા અને ત્યાંથી જતો રહ્યો.

ઘરે પહોંચ્યો પાડોશીએ કહ્યું કે મમ્મીની તબિયત વધુ બગડી હતી એટલે શ્રવણના ભાઈબંધો મનિષ અને સચિન એમને દવાખાને લઈ ગયા હતા. શ્રદ્ધાના શબ્દોએ આ જ મિત્રોથી એને અળગો કરી નાખ્યો હતો. એને યાદ આવ્યું કે એણે તો દવાનું પ્રીસ્ક્રિપ્શન પણ નહોતું મોકલ્યું. એને સવારનું ફેસબૂક સ્ટેટસ પણ યાદ આવી ગયું. જે વાઇફને લાઇફ સમજતો, એણે એને અવગણ્યો અને પોતાને લાઇફ આપનાર મા-બાપને પોતે અવગણ્યા. એને રડવું આવી ગયું. ત્યાં જ એને મમ્મીનો અવાજ સંભળાયો.

“હા બેટા, કેમ રડી રહ્યો છું? શું થયું?” વિચાર કરતા-કરતા સુઈ ગયેલા શ્રવણની આંખો ખુલી ગઈ હતી. મમ્મીનો હાથ એના માથા પર ફરી રહ્યો હતો. એ મમ્મીને વળગીને ચોધાર આંસુએ રડ્યો. મમ્મી એને છાનો રાખવા એના માટે પાણી લેવા રસોડામાં ગઈ. આંસુ લૂછવા એણે બાજુના ટેબલ પરથી રૂમાલ લીધો. ટેબલ પર એની અને શ્રદ્ધાની તસવીર હતી. લગ્નપ્રસંગે વિદાયવેળાની એ તસવીરમાં એ શ્રદ્ધાના અશ્રુઓ લૂછી રહ્યો હતો.

(મારા એક મિત્રના જીવનની સત્યઘટના પર આધારિત વાર્તા.)

-કુલદીપ લહેરુ