Saturday, June 16, 2018

પિતા, બસ એક શબ્દ હી કાફી હૈ...!!!





સનાતન ધર્મની પરંપરામાં દરેક કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણપતિને યાદ કરીને થાય છે. ભગવાન શંકર અને માતા પાર્વતિના પુત્રો કાર્તિકેય સ્વામિ અને ભગવાન ગણપતિ બન્ને ભાઈઓમાં સૃષ્ટિની પ્રદક્ષિણા કરીને સૌપ્રથમ કોણ પરત ફરે એવી સ્પર્ધા યોજાઈ. કાર્તિકેય સ્વામિ સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, જ્યારે ભગવાન ગણપતિએ માતા-પિતાની પ્રદક્ષિણાને સૃષ્ટિની પ્રદક્ષિણા સમાન ગણાવી પોતાની શ્રેષ્ઠતા પૂરવાર કરી અને પ્રથમ પૂજનીયનું સ્થાન મેળવ્યું. આ સાથે એમણે માતા-પિતાને સર્વોચ્ચ અને સર્વપ્રથમ સ્થાન આપવું એવું જ્ઞાન આપ્યું. પ્રસુતિની અસહ્ય પીડા સહન કરીને બાળકને જન્મ આપતી માતા દેખીતી રીતે જ ઈશ્વરતુલ્ય બની જાય છે. માતાનું એ ૠણ ક્યારેય ચૂકવી શકાય જ નહીં એ વાત એક હજારને એક ટકા સાચી પણ એ પણ સ્વીકારવું રહ્યું કે કોઈપણ જાતની અપેક્ષા વિના સંતાન માટે બધું જ કરી છૂટવા હંમેશા તત્પર પિતાનું અવમૂલ્યન કરીએ છીએ. માતા-પિતાની કલ્પના કરવાનું કહેવામાં આવે ત્યાર મોટાભાગના લોકોના મનમાં માતા એટલે મનમાં વાત્સલ્યભાવવાળી સકારાત્મક વ્યક્તિ અને પિતા એટલે તમારી દરેક રજૂઆતમાં પ્રશ્નો પૂછતા અને હંમેશા શિસ્તમાં રહેવાનો આગ્રહ રાખતા નકારાત્મક ચહેરાની છબી ઉપસી આવે. વર્તનનો આ તફાવત સ્વાભાવિક રીતે જ સંતાન અને પિતા વચ્ચે એક અંતર ઊભું કરી દે છે. નાની વયનું બાળક એ આભાસી નકારાત્મકતા પાછળ છૂપાયેલા પિતાના પ્રેમ, સંતાન પ્રત્યેની ચિંતા અને જવાબદારીને સમજી શકતું નથી. માતા દ્વારા પૂરી થતી તમામ ઈચ્છાઓ પાછળ પિતાનો પણ હાથ રહેલો હોય છે એ વાત બાળક વિચારી શકતું નથી. કહે છેને કે મા ની મમતાનો તાગ મેળવવો હોય તો માતા બનવું પડે એ જ રીતે પિતાના પ્રેમ અને ત્યાગની અનુભૂતિ તો પિતા બન્યા પછી જ થાય. જોકે, સમય બદલાતા આજે કરડા ચહેરાવાળા પિતાનું સ્થાન બાળકો સાથે હસતા-રમતા પિતાએ લઈ લીધું છે. સમય સાથે પરિવર્તન આવે એ સ્વાભાવિક છે પણ સંતાન પ્રત્યેના પિતાના કર્તવ્યમાં કોઈ પરિવર્તન નહીં આવે અને એ જ આપણી સંસ્કૃતિ છે. પિતાનો પ્રેમ માતાના વ્હાલ કરતા જરાપણ ઉતરતો નથી હોતો. લોકો કહે છે કે માતા કે પિતાનો કંઈ એક દિવસ થોડો હોય? વાત સાચી જ છે અને બધા સમજે પણ છે પરંતુ ઈન્ટરનેટિયા અને મોબાઇલિયા યુગમાં મા-બાપ પાસે થોડીવાર બેસીને એમને હળવા કરવાનું વિચારતા હોય એવા લોકો કેટલા છે? આવા સુનિશ્ચિત કરેલા દિવસો તમને અને મને ’ઈન્ટરનેટની કાલ્પનિક દુનિયામાંથી નીકળીને, આપણને વાસ્તવિક દુનિયામાં લાવનાર મા-બાપ માટે પણ સમય કાઢવો જોઈએ’ એ વાતની પ્રેરણા આપે છે.

ક્યાંક વાંચેલું એક સુંદર વાક્ય સર્વે પિતાઓને સાદર અર્પણ… “પપ્પા, તમે ઈશ્વર નથી કેમકે ઈશ્વર તો સુખ અને દુઃખ બન્ને આપે છે. પણ તમે તો ફકત સુખ જ આપો છો. Happy Father's day!”

જય હો!
કુલદીપ લહેરુ

https://www.facebook.com/kuldeeplaheru
https://www.instagram.com/kuldeep_laheru/

No comments: